શું કહે છે તેઓ કુર્આન વિષે?
મનુષ્યજાતિએ દૈવી શિક્ષણ માત્ર બે જ રીતે પ્રાપ્ત કર્યું છે. એક તો અલ્લાહે મોકલેલા ગ્રંથો દ્વારા અને બીજું અલ્લાહે પોતાની ઇચ્છા માનવજાત સુધી પહોંચાડવા માટે પસંદ કરેલા પયગમ્બરોની પરંપરા દ્વારા. આ બંને બાબતો માનવ-ઇતિહાસમાં સાથે સાથે ચાલતી રહી છે. એટલે અલ્લાહની મરજી જાણવા માટે બંનેમાંથી કોઈ એકની ઉપર ભાર મૂકી બીજી રીતને અવગણવાથી કાયમ નિષ્ફળતા મળી છે. હિંદુ પ્રજાએ પોતાના ઇશદૂતો તરફ દુર્લક્ષ સેવીને પોતાના ધર્મગ્રંથો ઉપર વધારે પડતો ભાર મૂક્યો છે. પરિણામે તેમની કિતાબો કે ધર્મગ્રંથો શાબ્દિક કોયડારૂપ બની ગયા છે. અને તેઓ તેમનો જ્ઞાન-ગુમાવી બેઠા છે. તેવી જ રીતે ખ્રિસ્તી લોકોએ પોતાના પયગમ્બર ઉપર જ બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામે તેમણે ઈસુ ખ્રિસ્તને દેવના સ્થાને બેસાડી તેમની પૂજા શરૂ કરી દીધી અને તૌહીદ કે એકેશ્વરવાદનો બાઈબલરૂપી ખજાનો તેઓ ગુમાવી બેઠા.
હકીકતમાં કુર્આનની પહેલા બાઈબલ અને ગોસ્પેલ સ્વરૂપે થયેલી ઈશાવણી (Revelation) પયગમ્બરોની પરંપરાના અંત પછી, ઘણા વર્ષે, ગ્રંથસ્વરૂપે અનુવાદમાં ઉપલબ્ધ બની છે. તેનું કારણ એ હતું કે હઝરત મૂસા અ.સ. અને હઝરત ઈસા અ.સ.ના અનુયાયીઓએ તે પયગમ્બરોના જીવનકાળ દરમ્યાન તેમની ઈશવાણને ધર્મગ્રંથ સ્વરૂપે સાચવવાની ઝાઝી મહેનત કરી ન હતી. તે પયગમ્બરોના મૃત્યુ પછી ઘણાં વરસે હાલ જે બાઇબલ Old and New Testament સ્વરૂપે કરેલા અનુવાદો છે તેમાં અનુવાદકો તરફથી ઉમેરણો કે કાપકૂપ રૂપી સુધારા વધારા કરવામાં આવ્યા છે. પરંતુ પયગમ્બરોની પરંપરામાં સૌથી છેલ્લા આવેલા ધર્મગ્રંથ કુર્આનની ઈશવાણી આજે પણ તેની મૂળ રૂપમાં મૌજૂદ છે. સ્વયંઅલ્લાહે કયામતના દિવસ સુધી તેનું રક્ષણ કરવાની જવાબદારી પોતાના માથે લીધી છે. એટલે કુર્આન ધર્મગ્રંથ સ્વરૂપે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનકાળ દરમ્યાન જ છૂટક તાડપત્રીઓ, ચર્મપત્રો, હાડકા વગેરે ઉપર લખી લેવામાં આવ્યો હતો.
વધુમાં પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સેંકડો સહાબીઓ એવા હતા જેમણે આખું કુર્આન મોઢે કરી લીધું હતું. પયગમ્બર સાહેબે પોતે પણ વરસમાં એકવાર આખા કુર્આનનો જિબ્રઈલનામના ફરિશ્તા આગળ પાઠ કરી જતા. અંતિમવર્ષમાં તો આપે બે વાર આવું કર્યું.પાછળથી પ્રથમ ખલીફા હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિ.) એ પયગમ્બર સાહેબના લહિયા હઝરત ઝૈદ બિન સાબિત (રદિ.)ને બધી આયતો એકઠી કરીને કુર્આનને ગ્રંથસ્થ કરવાનું કામ સોંપ્યું હતું. કુર્આનનો આ પ્રથમ ગ્રંથ હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ. પાસે હતો. અને તેમના અવસાન પછી તે પયગમ્બર સાહેબના પત્ની હઝરત હફસા રદિ. પાસે આવ્યો હતો. કુર્આનની આ પ્રથમ નકલ ઉપરથી ત્રીજા ખલીફા હઝરત ઉસ્માન રદિ. એ બીજી કેટલીક નકલો તૈયાર કરાવડાવી તેમને જુદા જુદા મુસ્લિમ પ્રદેશોમાં મોકલાવી દીધી હતી. કારણ કે તે સમગ્ર માનવજાત માટે કાયમી દોરવણી આપનાર ગ્રંથ હતો, એટલે જ તે માત્રઆરબોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરતો નથી. તે આરબોની ભાષામાં લખાયેલ ધર્મગ્રંથ જરૂર છે પણ તે માણસ સાથે માણસની જેમ વાત કરે છે.
“હે માનવ ! તને કઈ વસ્તુએ ભ્રષ્ટ કરીને તારા માલિકથી જુદો પાડી દીધો છે ?” પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તેમજ ઇતિહાસ પ્રસિદ્ધ બધા નેક મુસલમમાનોના ર્દષ્ટાંત ઉપરથી આ ધર્મગ્રંથનું વહેવારૂપણું પુરવાર થાય છે. કુર્આનનો વિશિષ્ટ ર્દષ્ટિકોણ સમગ્ર માનવજાતની સામાન્ય સુખાકારીને લક્ષમાં રાખે છે. અને માણસ માત્રમાં છુપાઈ રહેલી બધી ભાવિ શક્યતાઓ તેના પાયામાં રહેલી છે. કુર્આનમાં નિહિત સ્વરૂપે રહેલુ ડહાપણ તેના બધા પરિમાણોમાં નિર્ણાયક પુરવાર થતું આવ્યું છે. તે માનવીને તેના દેહનું દમન કરવાનું કહેતો નથી કે આત્મા તરફ દુર્લક્ષ પણ સેવતો નથી. તે ઇશ્વરને માનવીનું રૂપ આપતો નથી કે માનવીને દેવનું રૂપ પણ આપતો નથી. સર્જનહારની સૃષ્ટિની દરેકે દરેક વસ્તુને તે કાળજીપૂર્વક તેના યોગ્ય સ્થાને મૂકી આપે છે.
વાસ્તવમાં જગતના જે વિદ્વાનોએ પુરાવા વિના નિશ્ચાત્મક વિધાનો કરીને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબને કુર્આનના લેખક ગણાવવા પ્રયત્નો કર્યા છે તેઓ કંઈક એવો દાવો કરી રહ્યા છે જે માનવીય રીતે તદ્દન અશક્ય છે. ઈસુની છઠ્ઠી સદીમાં જન્મેલ કોઈ માનવી કુર્આનમાં વર્ણવેલ વૈજ્ઞાનિક સત્યો ઉચ્ચારી શકે ખરો? વીસમી સદીનું આજનું આપણું વિજ્ઞાન ભ્રૂણની ગર્ભાશયમાં થતી ઉત્ક્રાંતિનું જેવું યથાર્થ વર્ણન કરી શકે છે એવું જ યથાર્થ વર્ણન ઈસુની છઠ્ઠી સદીનો કોઈ માણસ કરી શકે ખરો?
બીજું એ છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેઓ ચાલીસ વર્ષના થયા ત્યાં સુધી માત્ર પોતાની પ્રામાણિક્તા અને ઈમાનદારી માટે જ પંકાયેલા હતા, તેમણે એકાએક લેખક બની જઈને એક એવો ગ્રંથ લખી નાંખ્યો જે તેની સાહિત્યિક ગુણવત્તામાંઅનુપમ હતો, એટલું જ નહિ પણ જે તે સમયના સર્વોત્ત્મ અરબી કવિઓ અને વ્યાખ્યાનકારો કદી ન લખી શકે એવો હતો, ત્યારે આપણી દલીલ શું તર્કબદ્ધ રહે છે ખરી? અને છેલ્લે, શું એમ કહેવું ન્યાયોચિત છે ખરૂં હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ જેઓ “અલ અમીન” (વિશ્વાસપાત્ર) તરીકે તેમના સમાજમાં જાણીતા થયેલા હતા, અને જેમની પ્રમાણિકતા અને ઈમાનદારીની પ્રશંસા બિનમુસ્લિમ વિદ્વાનો આજે પણ કરે છે, તેમણે એકા એક પોતે લેખક હોવાનો એક જુઠ્ઠો દાવો કર્યો અને તે જુઠ્ઠાણાને કારણે તેઓ હજારો માનવોને ચારિત્ર્યવાન, પ્રામાણિક અને ઈમાનદાર બનાવી શક્યા? એટલું જ નહિ પણ તે માણસોએ આપણી પૃથ્વીના એક સર્વોત્તમ સમાજની સ્થાપનાકરી ?
આ ઉપરથી કોઈ પણ નિખાલસ અને પૂર્વગ્રહરહિત સત્યશોધક એવું માનવા પ્રેરાશે કે કુર્આન ખરેખર અલ્લાહે પ્રગટ કરેલો એક દિવ્ય ધર્મગ્રંથ છે.
નીચે અમે કેટલાક મહત્ત્વના બિનમુસ્લિમ વિદ્વાનોના કુર્આન અંગેના અભિપ્રાયો આપી છીએ. તેનો અર્થએ નથી કે તેઓએ જે કંઈ કહ્યું છે તેની સાથે અમે અનિવાર્યપણે સહમત થઈએ છીએ. આના દ્વારા વાચકો સરળતાથી જોઈ શકશે કે આધુનિક જગત કઈ રીતે કુર્આનની વાસ્તવિક્તાની નજીક આવી રહ્યું છે. અમે વિશાળ હૃદયના બધાં વિદ્વાનોને ઉપર કહ્યાં તે મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કુર્આનનો અભ્યાસ કરવા આગ્રહભરી વિનંતી કરીએ છીએ. અમને ખાતરી છે કે જો તેઓ આવો પ્રયત્ન કરશે તો કુર્આનને કોઈ માણસ ક્યારેય લખી શકે નહિ તેની તેમને પ્રતીતિ થશે.
“આપણે તેને ગમે તેટલીવાર વાંચીએ તો પણ (કુર્આન)....શરૂઆતાં અણગમો ઉપજાવનાર હોવા છતાં દરેક વખતે નવેસરથી તે તમને ફરીવાર આકર્ષક લાગવા માંડશે, આશ્ચર્યસકિત કરવા માંડશે અને અંતે તે આપણામાં એક ઊંડો પૂજ્યભાવ પેદા કર્યાં વિના નહી રહે. તેના વિષયવસ્તુ અને ધ્યેયના સંદર્ભમાં તે અદ્ભૂતઅને ઉદ્દાત છે. એટલે આ ગ્રંથ બધા યુગોમાં માનવ-હૃદય પર એક અત્યંત બળવાન અસર મૂકી જવાનું કામ કર્યા કરેશે.”
-ગેઅ્ટે (અવતરણ ટી.પી. હ્યુજીસના Dictionary of Islam ના પાના નં.૫૨૬ ઉપરીથી)
“દુનિયાના મહાન ધર્મગ્રંથોમાં કુર્આન અધિકૃત રીતે એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રકારના યુગપ્રવર્તક ગ્રંથોની શ્રેણીમાં સૌથી છેલ્લું અવતરણ હોવા છતાં તે મોટા માનવસમૂહો ઉપર પોતાની અદ્ભૂત અસર ઉપસાવવાની બાબતમાં બીજા કોઈ ધર્મગ્રંથ કરતાં ભાગ્યે જ ઊતરે એવું છે. માનવીય વિચારના એક તદ્દન નવા તબક્કાનું તેમજ એક નવા જ પ્રકારના ચારિત્ર્યનું તેણે સર્જન કર્યું છે. શરૂઆતમાં તેણે અરબસ્તાનના રણપ્રદેશમાં વસતી જુદા જુદા વંશની અનેક શૂરવૂર કોમો (Nation) ને જન્મ આપ્યો અને પાછળથી વિશાળ મુસ્લિમજગતની અનેક રાજકીય અને ધાર્મિક સંસ્થાઓરૂપી એક એવા મોટા આધુનિક પરિબળનું સર્જન કર્યું જેની સાથે યુરોપના અને પૂર્વના રાષ્ટ્રોએ હજી કામપાર પાડવાનું બાકી છે.”
-જી. માર્ગોલ્ફથ(જે.એમ. રોડવેલના ન્યૂયોર્કની Every Man’s Library તરફથી પ્રકાશીત થયેલ The Koran ની પ્રસ્તાવનાના પાના નં. ૭ ઉપરથી)
“(કુર્આન એટલે) એક એવો ગ્રંથ જે સમયની અને વધુમાં ખાસ તો માનસિક વિકાસની દૃષ્ટિએ દૂરના વાચકના હૃદયમાં પ્રબળ અને દેખીતી રીતે પરસ્પર વિરોધી લાગણીઓ જન્માવે છે, એવું પુસ્તક જે શરૂઆતમાં જન્મતી અણગમતી લાગણીને પરાજિત કરીને તેનું આશ્ચર્ય અને પ્રશંસાની લાગણીમાં રૂપાંતર કરી દે છે. એવો ગ્રંથ જે ખરેખર માણસના મનની એક અદ્ભૂત પેદાશ અને માનવજાતના ભાવિ ઉપર નજર રાખનાર કોઈ પણ વિચારશીલ નિરીક્ષક માટે એક ઊંચામાં ઊંચા પ્રકારની સમસ્યા ગણાવો જોઈએ.”
-ડો. સ્ટેઇનગેસ (અવતરણ ટી.પી. હ્યુજીસના Dictionary of Islam ના પાના નં. ૫૨૬-૫૨૭ ઉપરથી)
ઉપર રજૂ કરવામાં આવેલ નિરીક્ષણ જે વિવેચકો હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબને કુર્આનના લેખક ગણે છે તેમના ગૃહિત સ્વરૂપે સ્વીકારાયેલ પૂર્વ-સિદ્ધાંતને ખોટો ઠેરવે છે.
“કોઈ નિરક્ષર માણસ સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ આખા અરબી સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ અને મહત્ત્વનોલેખક કઈ રીતે બની શકે ? વળી આવો નિરક્ષર માનવી ઇતિહાસના તે કાળના, બીજા કોઈ માણસ માટે વિકસાવવાનું શક્ય ન હોય તેવા, વૈજ્ઞાનિક સત્યોનું ઉચ્ચારણ શી રીતે કરી શકે ?અને આ બધું પોતાના અનેક વિષયો અંગેના ઉચ્ચારણોમાં એક પણ ભૂલ કર્યાવિનાકરવું આવા નિરક્ષર માણસ માટેશી રીતે શક્ય બની શકે? ”
-મોરિસ બ્યૂકેઇલ (The Bible, The Kuran and Science 1978 P. 125 ઉપરથી)
“એટલે આ ધર્મગ્રંથની બાબતમાં કદાચ તેની સાહિત્યિક ગુણવત્તાનું મૂલ્યાંકન કોઈ કાલ્પનિક અને આત્મલક્ષી સૌંદર્યશાસ્ત્રના સિદ્ધાંતોની મદદથી કરવાને બલતે તેણે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમકાલીન દેશવાસીઓ ઉપર જે અસર જન્માવી હતી, તેની દૃષ્ટિએ તેનું મુલ્યાંકન કરવું જોઈએ. તે ગ્રંથ ખૂબ શક્તિશાળી અને પ્રતીતિકર રીતે પયગમ્બરસાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શ્રોતાઓના હૃદયોને સ્પર્શીને પોતાની વાત કરી શકતો હતો.તેના પરિણામે તે સમય સુદી જે કેન્દ્રાપગામી અને દુશ્મનાવટભર્યા તત્ત્વોનું રૂપ આપી આરબોના મનમાં કદી ન આવી શકે એવા વિચારોથી તેમને પ્રેરિત કર્યા હતા. તે ગ્રંથની વક્તૃત્વશક્તિ સર્વાંગી સુંદર હતી. તેનું સાદું કારણ એ હતું કે તેણે ભટકતી જાતિના જંગલી લોકોમાંથી એક સુધરેલ અને સુસંસ્કૃત સમાજ સર્જી બતાવ્યો હતો, અને આરબ દેશના ઇતિહાસરૂપી તાણામાં એક નવો વાણો ઉમેરી આપ્યો હતો.”
-ડો. સ્ટેઇનગેસ. (અવતરણઃ ટી.પી. હ્યુજીસના Dictionary of Islam ના પાના નં. ૫૨૬-૫૨૮ ઉપરથી)
“મારી પૂર્વના અનુવાદકોના પ્રયત્નોમાં સુધારો કરવા અને અરબી ભાષામાં કુર્આનની જે ભવ્ય અને ઉદ્દાત વક્તૃત્વશક્તિ છે તેની આછી ઝાંખી મારા વાચકોને કરાવવા માટે મેં કુર્આનના જીવનસંદેશને બાજુ ઉપર રાખી, જેને કારણે કુર્આન માનવજાતના સાહિત્યની એક સર્વોત્તમ અને ઉત્કૃષ્ટ કલાકૃતિ ગણાય છે તે તેના જટિલ અને વૈવધ્યપૂર્ણ લયનો પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. કુર્આનની મુખ્ય વિશેષતા તેના અનુપમ અને બિનઅનુકરણીય લયમાં છે. તેનું વર્ણન પિકથોલ તેના Holy Book નામના પુસ્તકમાં નીચેના શબ્દોમાં કર્યું છે. “જેના અવાજ માત્રને કારણે માનવોની આંખમાં હર્ષના આંસુ આપી જાય છે.” મારી પૂર્વેના અનુવાદકોએ તેના તરફ દુર્લક્ષ સેવ્યું છે. અવાજના લયની સરખામણીમાં નિરસ અને લુખ્ખો લાગે છે.”
-આર્થર જે. આરબેરી (The Koran Interpreted, London, Oxford University Press – 1964. P.10)
“કુર્આન ઇસ્લામની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. ધર્મ, નીતિશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિષયોમાં તેની સત્તાસર્વોપરી છે... કુર્આન બેનમૂન છે. ધર્મની બાબતોની જેમજ એકબીજા સાથે ઝઘડો કરતા પંથો કે સંપ્રદાયોના લોકો પણ કુર્આનની વાત આવે છે ત્યારે તેમાં કોઈ પ્રશ્ન કરતા નથી.”
-સર વિલિયમમૂર. (અવતરણઃ The Life of Muhammed. London, 1903, Chapter The Coran. P.7 ઉપરથી)
“જગતમાં કદાચ એવો બીજો કોઈ ધર્મગ્રંથ નથી જેના શબ્દોનો મૂળ પાઠ (Text) ૧૨ સદીઓ સુધી આટલો શુદ્ધ રહી શક્યો હોય.” -સર વિલિયમમૂર.
Showing posts with label શું કહે છે તેઓ કુર્આન વિષે?
. Show all posts
Showing posts with label શું કહે છે તેઓ કુર્આન વિષે?
. Show all posts
શું કહે છે તેઓ કુર્આન વિષે?
Subscribe to:
Posts (Atom)