Showing posts with label ઇસ્લામ પર એક દ્રષ્ટિપાત. Show all posts
Showing posts with label ઇસ્લામ પર એક દ્રષ્ટિપાત. Show all posts

ઇસ્લામ પર એક દ્રષ્ટિપાત


ઇસ્લામ પર એક દ્રષ્ટિપાત
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

ઇસ્લામ અને મુસ્લિમોઃ
        અરબી ભાષામાં ‘ઇસ્લામ’ શબ્દનો અર્થ શાંતિ, શુદ્ધતા, આજ્ઞાંકિતપણું કે સમર્પણ એવો થાય છે. ઇસ્લામ એટલે ઈશ્વરે તેના પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્મ સાહેબ સાથે કુર્આનના રૂપમાં માનવજાત માટે મોકલાવેલ શિક્ષણ અને દોરવણીનો હૃદયપૂર્વક સ્વીકાર.
        મુસલમાન એવી વ્યક્તિ છે જે એક અલ્લાહ કે ઈશ્વરના અસ્તિત્વમાં માને છે અને જીભથી પણ તેનો એકરાર કરે છે. મુસ્લિમ એટલે પોતાના સમગ્ર જીવનને ઈશ્વરે મોકલેલા ઈશગ્રંથ અને પયગમ્બર સાહેબના વચનોના ઢાંચામાં ઢાળી દેનાર માણસ. આ જ પાયા ઉપર તે માનવ સમાજનું ઘડતર પણ કરવા પ્રયાસ કરે છે. ઇસ્લામ માટે “મોહંમદનિઝમ”  (Mohammadanism) જેવા શબ્દોનો ઉપયોગ ખોટો અને અયોગ્ય છે, કારણકે તે ઇસ્લામના હાર્દને અપમાનિત કરે છે.
        અરબી ભાષામાં ઈશ્વરનું અસલ નામ “અલ્લાહ” છે. અરબીમાં “અલ્લાહ” એક એવી અનુપમસંજ્ઞા છે જેનું બહુવચન કે સ્ત્રીલિંગનું રૂપ છે જ નહિ.
ઇશ્વરીય સંદેશાનું સાતત્યઃ
        ઇસ્લામ કોઈ નવો ધર્મ નથી. હકીકતમાં તો આ તે જ સંદેશ અને દોરવણી છે જે અલ્લાહે તેના બધા પયગમ્બરો સાથે મોકલાવ્યો હતો.
        “કહો કે અમે અલ્લાહમાં માનીએ છીએ, અને તેણે મોકલાવેલ સંદેશમાં માનીએ છીએ, જે સંદેશ ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઈલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) અને યાકૂબ (અ.સ.) અને તેમના વંશજો માટે મોકલવામાં આવ્યો હતો, અને મૂસા (અ.સ.) અને ઈસા (અ.સ.) અને બીજા પયગમ્બરો સાથે પણ તેમના માલિક તરફથી મોકલાવાયો હતો. અમે પયગમ્બરો વચ્ચે કોઈ ભેદભાવ કરતા નથી, અને અમે એક અલ્લાહનું કહ્યુંકરનારા છીએ. (કુર્આન-૩ઃ૮૩) હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા જે સંદેશ મોકલવામાં આવ્યો હતો તે તેના સંપૂર્ણ રૂપમાં ઇસ્લામનો સંદેશ હતો.”
ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભોઃ
(૧) શ્રદ્ધાની જાહેરમાં કબૂલાતઃ
        અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજવા લાયક નથી, તેની સાક્ષી પૂરવી અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માનવજાત માટે કયામતના દિવસ સુધી તેના રસૂલ કે સંદેશાવાહક છે તેની પણ સાક્ષી પૂરવી. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબની રિસાલત (રસૂલપણું) અને તેમનું અનુકરણીય અને દ્રષ્ટાંરૂપ જીવન મુસલમાનો માટે પ્રેરણારૂપ છે.
(૨) નમાઝ કે પ્રાર્થના:
        ઇશ્વર પ્રત્યેની પોતાની ફરજના રૂપમાં મુસલમાનોએ દિવસમાં પાંચવાર નમાઝ અદા કરવાની હોય છે. નમાઝ અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધાને જીવંત રાખે છે અને તેને મજબૂત બનાવે છે. નમાઝ મુસલમાનને ઉચ્ચ પ્રકારના નૈતિક જીવનની પ્રેરણા પણ આપે છે. તેનીથી હૃદય શુદ્ધ બને છે અને ખોટું કરવાના કે અનિષ્ટનું આચરણ કરવાના પ્રલોભનથી માણસ દૂર રહે છે.
(૩) રમઝાન માસના રોઝા કે ઉપવાસઃ
        મુસ્લિમો રમઝાન માસમાં પરોઢથી સુર્યાસ્ત સુધી ખાવા, પીવા અને કામેચ્છાની તૃપ્તિથી દૂર રહે છે, એટલું જ નહિ પણ અનિષ્ટ ઈરાદાઓ અને ઈચ્છાઓથી પણ અળગા રહે છે. રમઝાન માસના રોઝા મુસ્લિમોને પ્રેમ, નિખાલસતા અને ભક્તિનાં પાઠ શીખવે છે. તેનાથી તેમનામાં સામાજિક ભાવના, ધૈર્ય, નિઃસ્વાર્થપણું અને ઇચ્છાશક્તિનો વિકાસ થાય છે.
(૪) ઝકાતઃ
        પોતાની વાર્ષિક કમાણીમાંથી થયેલ બચતનો ૨.પ% ભાગ ધાર્મિક અને સામાજિક ફરજરૂપે સમાજના ગરીબોને ફરજિયાત પણે આપવો.
(૫) મક્કાની હજ્જઃ
        આર્થિક અને સ્વાસ્થ્યનીર્દષ્ટિએ શક્ય હોય તો આ ફરજ દરેક મુસ્લિમેજીવનમાં એકવાર બજાવવાની હોય છે.
        આ પાંચ પાયારૂપ ફરજો ઉપરાંત દરેક દરેક કાર્ય જો તે એવી ભાવનાથી કરવામાં આવે કે તે વડે આપણે ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરી રહ્યાં છીએ તો તે કાર્યપણ મુસલમાનને માટે પ્રાર્થના કે ઇબાદત ગણવામાં આવે છે.
        ઇસ્લામ અલ્લાહના એક હોવા ઉપર અને તેના સર્વસત્તાધીશ હોવા ઉપર ભાર મૂકે છે. તેને કારણે માણસને બ્રહ્માંડની અર્થપૂર્ણતાનું અને તેમાં તેના પોતાના સ્થાનનું ભાન થાય છે. આ માન્યતા તેને બધા પ્રકારના ભય અને વહેમોથી મુક્ત કરે છે. સર્વશક્તિમાન અલ્લાહના સર્વવ્યાપીપણાનું ભાન થતા માણસ પોતાની અલ્લાહ પ્રત્યેની જવાબદારી સ્વીકારે છે. પણે તેની શ્રદ્ધાની અભિવ્યક્તિ થવી જોઈએ અને વ્યવહારમાંતેની કસોટી પણ થવી જોઈએ. માત્ર શ્રદ્ધા પૂરતી નથી. એક ઈશ્વરમાં માન્યતાને કારણે આપણે આખી માણસજાતને એક કુટુંબ તરીકે સ્વીકારી અને સમજી શકીએ છીએ. તેથી તેને આપણે સર્વશક્તિમાન ઈશ્વરના સર્જનરૂપે સ્વીકારીશકીએ છીએ – એવો ઈશ્વર કે જે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર અને પોષણ કરનાર છે. ઇસ્લામ ધર્મમાં “પસંદ કરેલી પ્રજા” (Chosen People) ના વિચારનો વિરોધ છે, કારણ કે તેમાં એક ઈશ્વરમાં શ્રદ્ધા અને ભલાઈનાં સારાં કાર્યોના પરિણામરૂપે થતી સ્વર્ગ-પ્રાપ્તિનો વિચાર જ સર્વોપરી છે. આમ માણસ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. તે એક એવો સીધો સંબંધ છે જેમાં વચ્ચે કોઈ વચેટિયો હોતો નથી.
માણસની સ્વતંત્રતાઃ
        માણસ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તેનામાં ઈશ્વરે ઊંચામાં ઊંચા પ્રકારની શક્તિઓ ભરી દીધી હોવાથી તેની ઇચ્છા-શક્તિ, કાર્ય અને પસંદગીની બાબતમાં તે મુક્ત છે. ઈશ્વરે તેને સારો અને સાચો રસ્તો બતાવી દીધો છે, અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જીવનના રૂપમાં તેની દ્રષ્ટિ સમક્ષ એક સંપૂર્ણ આદર્શરૂપ વ્યક્તિના દ્રષ્ટાંતને પણ મૂકી દેવામાં આવ્યું છે. માણસના જીવનની સફળતા અને મુક્તિ પણ તેમાં જ રહેલી છે. ઇસ્લામ માણસના વ્યક્તિત્વની પવિત્રતા અને બધા માણસોના સમાન હક ઉપર ખાસ ભાર મૂકે છે. તેમાં કોઈ પણ વંશ, જાતિ, લિંગ (Gender) કે રંગનું કોઈ મહત્ત્વ નથી.
        કુર્આનમાં જે ઈશ્વરીય નિયમનું વર્ણન થયું છે અને જેનો માનવીય નમૂનો પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાંથી તાદ્રશ્ય મળે છે તે બધી બાબતોમાં સર્વોપરી છે. તે ઊંચામાં ઊંચા તેમજ નીચામાં નીચા સ્તરે પણ સૌને સમાન રીતે લાગુ પડે છે – પછી તે રાજકુમાર હોય કે ખેડૂત હોય, રાજા હોય કે રૈયત હોય.
કુર્આન અને હદીષઃ
        કુર્આન ઈશ્વરનો અંતિમસંદેશ છે. તે ઇસ્લામી શિક્ષણ અને કાયદાનો પાયાનો સ્ત્રોત છે. કુર્આનનો વિષય છે માન્યતાઓનો પાયો, નીતિશાસ્ત્ર, માનવજાતનો ઇતિહાસ, ઇબાદત (પ્રાર્થના) જ્ઞાન, ડહાપણ, ઈશ્વર અને માણસનો સંબંધ, ને માનવીના દરેક પ્રકારના માનવીય સંબંધો. તેમાં એવું સાર્વત્રિક શિક્ષણ આપવામાં આવ્યું છે કે તેની મદદથી સામાજિક ન્યાય, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, કાયદાનું ઘડતર (Legislation) તેની ફિલસૂફી (Jurisprudence) અને તેનું શાસ્ત્ર, અને આંતરરાષ્ટ્રીય સંબંધોરૂપી મજબૂત ઇમારતો ચણી શકાય એમ છે.
હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્મ સાહેબ પોતે એક નિરક્ષર વ્યક્તિ હતા. તેઓ લખી વાંચી શકતા ન હતા. છતાં, તેમની દેખરેખ હેઠળ, તેમના જીવન દરમ્યાનતેમના અનુયાયીઓએ કુર્આન કંઠસ્થ કરી લીધું હતું, અને લખી પણ લીધું હતું. એટલે કુર્આનનું સમગ્ર લખાણ (Complete Text) અને તેની પૂરેપૂરી માહિતી આજે પણ અરબી ભાષામાં જેમની તેમ મળી શકે છે. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદો ઉપલબ્ધ છે. મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના શિક્ષણના ઉદ્ગારો, ઉક્તિઓ, અને કહેવતો જેમને હદીસ કહેવામાં આવે છે તે તેમનો અનુયાયીઓએ જતનપૂર્વક સાયવ્યાં છે, હદીસની મદદથી કુર્આનની આયતો અને તેમનાં શિક્ષણને વિસ્તારપૂર્વકસમજાવી શકાય છે.
ઇબાદતનો ઇસ્લામી વિચાર
        ઇસ્લામ ધર્મ ક્રિયાકાંડ શીખવાડતો નથી કે માત્ર ક્રિયાકાંડનો સ્વીકાર પણ કરતો નથી. તે નિશ્ચય અને કાર્ય ઉપર ભાર મૂકે છે. ઇશ્વરની ઇબાદત કરવી એટલે જીવનની દરેક બાબતમાં ઈશ્વરને ઓળખવો, તને પ્રેમ કરવો, અને તેના કાયદાનો અમલ કરવો. જીવનની દરેક બાબતમાં ભલાઈનો આગ્રહ રાખવો અને ભૂંડા અને જુલ્મી કાર્યોનો ત્યાગ કરવો, ખેરાત કરવી કે દાન આપવું, ન્યાય કરવો અને માનવજાતની સેવા દ્વારા ઈશ્વરની સેવા કરવી.નીચેના ઉત્કૃષ્ટ શબ્દોમાં કુર્આન આ વિચારની રજૂઆત કરે છેઃ-
        “તમે તમારાં મુખોને પૂર્વ તરફ કે પશ્ચિમ તરફ ફેરવો તેનું નામ ભલાઈ કે સદ્કાર્ય (righteousness) નથી. તે માણસ ભલો છે જે ઈશ્વરમાં અને કયામતના અંતિમન્યાયના દિવસમાં અને દેવદૂતોમાં અને ધર્મગ્રંથોમાં અને પયગમ્બરોમાં માને છે, અને પોતાની મિલકત ઈશ્વરના પ્રેમને ખાતર ખર્ચ કરે છે અને પોતાનાં સગાં-વહાલાં અને અનાથ બાળકો તેમજ બીજા જરૂરતમંદોને અને વટેમાર્ગુઓને અને જેઓ તેની પાસે આવી માગે છે તેમને માટે ખર્ચે છે, અને ગુલામોને મુક્ત કરે છે અને કાળજીપૂર્વક નમાઝ અદા કરે છે, અને ઝકાત આપે છે અને જેઓ કરેલી સંધિ મુજબ વર્તે છે. અને દુઃખમાં અને મુશ્કેલીમાં અને કસોટીના કાળમાં સંયમથી વર્તે છે.. આ એવા માણસો છે જેઓ નિખાલસ હોય છે, અને ઈશ્વરથી ડરીને ચાલનારા હોય છે.” (કુર્આન રઃ૧૭૭)
ઇસ્લામી જીવનપદ્ધતિઃ
        ઇસ્લામ બધા માનવો માટે, અને જીવનના બધા ક્ષેત્રો માટે, એક ચોક્કસ પ્રકારની દોરવણી કે શિક્ષણ આપે છે. તેની દોરવણી રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક પ્રકારની હોય છે. કુર્આન માનવીને તેના ધરતી ઉપરના જીવનના હેતુ અંગે યાદ આપે છે. તેને તે પોતાની ફરજો અને જવાબદારીઓની પણ યાદ આપે છે, એટલું જ નહી પણ તેનાં સગાવહાલાં, તેનો સમાજ અને માનવબંધુઓ અને ઈશ્વર સાથેના તેના સંબંધને પણ તાજો કરી આપે છે. હેતુપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય અને પાયાની સૂચનાઓ આપીને તેને મનુષ્ય જીવનની કસોટીઓ સામે મૂકી દે છે – જેથી તે પોતાના ઊંચા આદર્શોને આચરણમાં મૂકી શકે. ઇસ્લામ ધર્મ પ્રમાણે માનવી જીવે તો તેનું જીવન છિન્ન ભિન્ન થયેલા સ્પર્ધા કરતા અંશોનો સરવાળો નહિ પણ તે એક તંદુરસ્ત અને પ્રામાણિક જીવન બને. ધાર્મિક (Religion) અને બિન-ધાર્મિક (Secular) એવા માનવજીવનના બે જુદા વિભાગો ઇસ્લામમાં નથી. મનુષ્યના રૂપમાં તેઓ એકરૂપ થયેલાં છે.
ઐતિહાસિક  પૃષ્ટભૂમિઃ
        હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ અરબસ્તાનના મક્કા નામના શહેરમાં ઈ.સ.૫૭૦ની સાલમાં જન્મ્યા હતા. તેઓ એક ઉમદા કુટુંબના નબીરા હતા. ચાલીસ વર્ષની ઉંમરે તેમને પ્રથમવાર ઈશ્વરનો સંદેશો ‘વહી’ (Revelation) દ્વારા મળ્યો. તેમણે ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો કે તરત તેમની તેમજ તેમના અનુયાયીઓની કનગડત શરૂ થઈ ગઈ અને તેમને પુષ્કળ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આથી ઈશ્વરે તેમને મક્કા શહેર છોડી અરબસ્તાનના બીજા એક મદીના નામના શહેરમાં હિજરત કરી જવા કહ્યું. ૨૩ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે પોતાનું પયગમ્બર તરીકેનું જીવનકાર્ય પૂરૂ કર્યું. અને ૬૩ વરસની વયે તેઓ મૃત્યુ પામ્યા. તેઓ એક સંપૂર્ણ જીવન જીવ્યા, અને જગતના બધા માણસો માટે તેઓ એક દ્રષ્ટાંતરૂપ જીવનનો નમૂનો પાછળ મૂકતા ગયા. તેમનું જીવન કુર્આના શિક્ષનું જવલંત ઉદાહરણ પૂરૂં પાડે છે.
ઇસ્લામની બૌદ્ધિક અસરઃ
        ઇસ્લામ ધર્મ, સત્યની સ્પષ્ટ અને સચોટ અભિવ્યક્તિને કારણે, જ્ઞાનના કોઈપણ ઉપાસકના હૃદય ઉપર જોરદાર અસર કરે છે. જીવનની બધી સમસ્યાઓનો તેમાં ઉકેલ છે. તે એક એવો ભોમિયો છે જે માણસને વધારે સારૂં અને સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરવા દોરવણી આપે છે અને સર્વશક્તિમાન ઈશ્વરની સૃષ્ટના સર્જનહાર તેમજ પાલનહાર તરીકે સ્તુતિ કરે છે.
દુનિયાની મુસ્લિમવસ્તી ઉપર એક ર્દષ્ટિપાતઃ
દેશનું નામ અને વસ્તી (મિલિયનમાં)
અફ્રિકા                                              ૨૨૪.૨૦ 
ઉત્તર-દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા          ૪.૦૦
એશિયા                                             ૫૭૫.૩૦ 
યુરોપ                                               ૨૦.૦૦
કુલ વસ્તીઃ                                           ૮૨૩.૫૦