ઇસ્લામમાં ઈશ્વરની કલ્પના
શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
ઇસ્લામમાં ‘અલ્લાહ’ સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સમગ્રના સૃષ્ટિનો રચયિતા અને તેના પાલનહારનું વ્યક્તિગત નામ છે. આ શબ્દની વિશિષ્ટતા એ છે કે તેનું ન તો કોઈ બહુવચન છે, ન તો લિંગ અને ન જ તેનો ઉપયોગ કોઈ અન્ય માટે થાય છે. તેનાથી બંધબેસતો ભાવાર્થવાળો શબ્દ ‘ખુદા’ અને નિકટવર્તી અર્થ ધરાવતો શબ્દ ‘ઈશ્વર’ છે.
એક મુસલમાન અલ્લાહની આ અદ્વિતીય કલ્પના દ્વારા તેનાથી પોતાનો સંબંધ જોડે છે. ઇસ્લામ અનુસાર અલ્લાહ સર્વશક્તિમાન, સમગ્ર સૃષ્ટિનો સૃષ્ટા અને પાલનહાર પણ છે. ન તેનો સમકક્ષ કોઈ છે અને ન તો તેની તુલના કોઈનાથી કરી શકાય છે. એક પ્રસંગે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના સાથીઓએ ‘અલ્લાહ’ વિષે પૂછ્યું, ત્યારે તેનો પ્રત્યુત્તર અલ્લાહ તરફથી અવતરિત કુર્આનની એક નાની સૂરઃના રૂપમાં આપવામાં આવ્યો. જેના વિષે કહેવામાં આવે છે કે તે ‘તૌહીદ’ (એકેશ્વરવાદ)નો સાર છે. આ સૂરઃની ક્રમસંખ્યા ૧૧૨ છે, જે આ પ્રકારે છે;
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. “કહો, તે અલ્લાહ છે, અદ્વિતીય. અલ્લાહ સૌથી બેનિયાઝ અને સૌ તેના મોહતાજ છે. ન તેનું કોઈ સંતાન છે અને ન તે કોઈનું સંતાન અને કોઈ તેનો સમકક્ષ નથી.”
અર્થાત્- અલ્લાહ એ છે જે કોઈના ઉપર અવલંબિત કે આધારિત નથી, ન કોઈ વ્યક્તિ ઉપર કે ન કોઈ વસ્તુ ઉપર, કોઈ સજીવ-નિર્જીવ ઉપર પણ નહિ પરંતુ સૌ સજીવ - નર્જીવ તેના ઉપર આધાર રાખે છે. તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે. અમુક લોકોને એ ગેરસમજ છે કે ઇસ્લામમાં ઈશ્વરની જે કલ્પના છે, તેમાં તે કઠોર, અને ક્રૂર પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અલ્લાહ ઘણો મહેરબાન અને અત્યંત દયા કરવાવાળો છે. કુર્આનમાં એક સિવાય અન્ય તમામ સૂરઃ (કુલ ૧૧૪ સૂરઃ છે.) ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’થી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે ‘શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.’ પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એક કથનમાં આપણને દર્શાવવામાં આવ્યું છે, ‘એક માંની તુલનામાં પોતાના બંદાઓ ઉપર અલ્લાહ વધુ કૃપાશીલ અને દયા કરવાવાળો છે.’
અલ્લાહ ન્યાયી છે, જેથી દુષકૃત્યો આચરનારને અને પાપીઓને પૂરી સજા મળી શકે તથા સદાચારીઓ ઇનામ મેળવી શકે. સત્ય તો એ છે કે આ ન્યાયના અંતર્ગત તેની મહેરબાની અને દયાની ભાવના કાર્યરત્ છે. તે લોકો જેઓ જીવનપર્યંત તેની પ્રસન્નતા માટે વિવિધ પ્રકારની અજમાયશના શિકાર રહ્યા અને તે લોકો, જેઓ અન્ય મનુષ્યો ઉપર સમગ્ર જીવન દરમ્યાન અત્યાચાર કરતા રહ્યાં અને તેઓનું શોષણ કરતાં રહ્યાં, આ બંને પ્રકારના લોકો સાથે સમાન વ્યવહાર કેવી રીતે હોઈ શકે ? કુર્આનની નિમ્નલિખિત આયતો આ હકીકતને વધુ સ્પષ્ટ કરે છેઃ
‘વાસ્તવિકતા એ છે કે અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના પાલનહાર પાસે બક્ષિસોથી ભરેલી જન્નતો છે. શું અમે આજ્ઞાંકિતોની હાલત ગુનેગારો જેવી કરી દઈએ ? તમને શું થઈ ગયું છે, તમે કેવા ફેંસલા કરો છો ? (સૂરઃ અલ-કલમઃ ૩૪ઃ૩૬)
ઇસ્લામ એ બાબતને રદ કરે છે કે ઈશ્વરને કોઈ માનવ સ્વરૂપમાં ચિત્રિત કરવામાં આવે અને તેનો પણ સ્વીકાર કરતો નથી કે ઈશ્વર ધન, સંપત્તિ, શક્તિ કે વંશના આધારે કોઈ વ્યક્તિ વિશેષ કે સમુદાય ની તરફેણ કરે, બલ્કે ઈશ્વરે તમામ મનુષ્યોને એકસરખા પેદા કર્યા છે, પ્રત્યેક વ્યક્તિ પોતાના સદગુણ, ધર્મનિષ્ઠા અને ભક્તિભાવ દ્વારા સન્માન અને ઈશ્વરની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી શકે છે.
ઈશ્વર વિષે એવી ઘણી માન્યતાઓ અને ધારણાઓ જેવી કે..... તે થાકીને નિંદ્રાધીન થઈ જાય છે, કે માનવીય સ્વરૂપમાં આવી લોકોથી કુશ્તી લડે છે; આવા તમામ વિચાર ઇસ્લામી દૃષ્ટિકોણથી ખોટાં બલ્કે ઈશ્વર માટે અપમાનજનક છે.
ઇસ્લામ આપણને જણાવે છે કે અલ્લાહ પોતાના અસ્તિત્વ, ગુણો, અધિકાર અને પોતાના સર્વશક્તિમાન હોવામાં અદ્વિતીય છે, અને આ સંદર્ભમાં કોઈ અન્યને તેનો ભાગીદાર બનાવવો એ ઇસ્લામી દૃષ્ટિએ ન તો યોગ્ય છે, ન જ તેની પરવાનગી આપવામાં આવી છે, બલ્કે તેને ઘણો ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે, એવો ગુનો જે કદી માફ થઈ શકતો નથી.
સત્ય તો એ છે કે અલ્લાહ જેવું કોઈ નથી. તે એવો સૃષ્ટા છે, જે અનાદી અને અનંત છે. “તે પહેલો પણ છે અને છેલ્લો પણ.” તે આત્મનિર્ભર પણ છે, અને સ્વાવલંબી પણ.
અલ્લાહ દરેક ચીજનો પેદા કરવાવાળો છે, તે દરેકની દેખરેખ રાખનાર અને પાલનહાર છે. આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે તેના જ અધિકારમાં છે. કોઈપણ જીવ જે આ ધરતી ઉપર જન્મ લે છે, તેની પકડથી બહાર નથી. તે તેના જન્મ, વૃદ્ધિ-વિકાસ અને મૃત્યુસુદ્ધાંની જગ્યાથી વાકેફ છે.
ખુદાના ગુણઃ
જો ખુદા અનાદિ અને અનંત છે, તો તેના ગુણો પણ અનાદિ અને અનંત હોવા જોઈએ. તેના ગુણોમાં ન તો કમી હોવી જોઈએ, ન તેમાં કોઈ નવીન ચીજ સામેલ થવી જોઈએ. જો એવું છે, તો તેનો અર્થ એ છે કે તેના ગુણ સંપૂર્ણ છે. શું ગુણોની આ સંપૂર્ણતા ઈશ્વર સિવાય કોઈ અન્યમાં પણ સંભવ છે ? ઉદાહરાર્થ, બે સર્વશક્તિમાન અને સર્વગુણસંપન્ન ઈશ્વર હોઈ શકે ખરાં ? બુદ્ધિ, આવી કોઈ પણ સંભાવનાનો ઇન્કાર કરે છે.
કુર્આનની નિમ્ન આયતો આ અનુસંધાનમાં વધુ પ્રકાશ પાડે છેઃ
“અલ્લાહે કોઈને પોતાની ઓલાદ બનાવી નથી, અને બીજો ખુદા તેની સાથે નથી. જો આવું હોત તો દરેક પોતાના સર્જનોને લઈને અલગ થઈ જાત અને પછી તેઓ એકબીજા ઉપર ચઢાઈ કરત. પવિત્ર છે અલ્લાહ એ સર્વ વાતોથી જે આ લોકો બનાવે છે.” (૨૩ઃ૯૧)
“જો આકાશો અને ધરતીમાં એક અલ્લાહ સિવાય બીજા ખુદાઓ પણ હોત તો (ધરતી અને આકાશ) બંનેનું તંત્ર બગડી જાત.” (૨૧ઃ૨૨)
કુર્આન અનેક ખુદાઓના અસ્તિત્વનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. સ્વહસ્તે ઘડી કાઢેલ ચીજવસ્તુઓની પૂજા કરવાવાળાઓને હકીકત દર્શાવતા કહે છેઃ
“લોકો ! એક દૃષ્ટાંત આપવામાં આવે છે, ધ્યાનપૂર્વક સાંભળો. જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડી પોકારો છો તેઓ સૌ ભેગા મળીને એક માખી પણ પેદા કરવા ચાહે તો નથી કરી શકતા. બલ્કે જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવીને લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ શકતા નથી. મદદ માગનારા પણ નિર્બળ અને જેમની મદદ માગવામાં આવે છે તેઓ પણ નિર્બળ. આ લોકોએ અલ્લાહની કદર જ ન જાણી, જેવી રીતે તેને જાણવી ઘટે છે. હકીકત આ છે કે શક્તિશાળી અને ઇજ્જતવાળો તો અલ્લાહ જ છે.’’ (સૂરઃ અલ-હજ્જઃ ૭૩ઃ૭૪)
પ્રકૃતિની ઉપાસના કરવાવાળાઓ સમક્ષ કુર્આન ઈર્શંઈૂત હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ના જીવનના એક પ્રસંગનું વર્ણન કરે છેઃ “ઇબ્રાહીમને અમે આવી જ રીતે આકાશો અને ધરતીનું રાજ્યતંત્ર દેખાડતા હતા. અને એટલા માટે દેખાડતા હતા કે એ વિશ્વાસ કરનારાઓ પૈકીનો થઈ જાય. આથી જ્યારે રાત તેની ઉપર છવાઈ તો તેણે એક તારો જોયો, કહ્યું ‘‘આ મારો રબ (સર્જનહાર) છે.’’ પરંતુ જ્યારે તે આથમી ગયો તો બોલ્યો, ‘‘આથમી જનારાઓનો હું મોહિત નથી.’’ પછી જ્યારે ચંદ્ર ચમકતો દેખાયો તો કહ્યું, ‘‘આ છે મારો રબ (સર્જનહાર).’’ પરંતુ જ્યારે તે પણ આથમી ગયો તો કહ્યું, ‘‘જો મારા રબે મારૂં માર્ગદર્શન ન કર્યું હોત તો હું પણ ભટકી ગયેલા લોકોમાં સામેલ થઈ ગયો હોત.’’ પછી જ્યારે સૂર્યને પ્રકાશિત જોયો તો કહ્યું, ‘‘આ છે મારો રબ, આ સૌથી મોટો છે.’’ પરંતુ જ્યારે તે પણ આથમ્યો ત્યારે ઇબ્રાહીમ પોકારી ઊઠ્યો, “હે મારી કોમના લોકો, મારે એ સૌની સાથે કોઈ નિસ્બત નથી, જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવો છો. મેં તો એકાગ્ર થઈ મારું મુખ એ હસ્તી તરફ કરી લીધું જેણે ધરતી અને આકાશોને પેદા કર્યા છે અને હું હરગિજ અલ્લાહ સાથે અન્ય કોઈને પણ ભાગીદાર ઠેરવવાવાળાઓ પૈકીનો નથી.’’(૬ઃ૭૬-૭૮)
મુસ્લિમ હોવાનો અર્થઃ
મુસલમાન હોવા માટે અનિવાર્ય છે કે મનુષ્ય અલ્લાહ ઉપર ઈમાન લાવે અને સ્વયંને તેના સમક્ષ સમર્પિત કરી દે. અર્થાત્ ઈશ્વરને એક અને અદ્વિતીય, સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર, સ્વામી અને પાલનહાર માનવામાં આવે. તેનો અધિકાર છે કે તેની જ ભક્તિ અને ઉપાસના તથા તેનું જ આજ્ઞાપાલન કરવામાં આવે તેમ જ તેના સિવાય કોઈ અન્યની ઉપાસના કરવામાં ન આવે.
એક મુસલમાન હોવાની હેસિયતે આ આસ્થા (ઈમાન)માં દ્રઢતા હોવી જોઈએ, તે હદ સુધી કે તે આચરણમાં પ્રગટ થાય. પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું હતું, “ઈમાન તે છે કે જે દિલમાં આસ્થાનું રૂપ ધારણ કરે, જીભ વડે મૌખિક એકરાર કરવામાં આવે અને આચરણમાં જે દૃષ્ટિગોચર થાય.” આ ઈમાનમાં જેટલી દ્રઢતા હશે, તેટલો જ ખુદા પ્રતિ કૃતજ્ઞભાવ વધતો જશે અને આ જ ઇબાદતનો સાર છે.
શુક્રનો વિરોધાર્થી ‘કુફ્ર’ છે અને જેનો અર્થ ‘કૃતઘ્નતા’ છે. અને આવું આચરણ કરવાવાળાને અરબીમાં ‘કાફિર’ કહે છે. ‘કુફ્ર’નો અર્થ ઇન્કાર કરવાનો થાય છે. આમ ‘કાફિર’ તે છે જે ઇન્કાર કરે અને કૃતઘ્ન હોય.
એક ‘મુસ્લિમ’ ખુદાથી પ્રેમ પણ કરે છે અને તેની કૃપા અને બક્ષિસો મળવાને કારણે તેનો આભારી પણ હોય છે. તેને એ પણ અહેસાસ હોય છે કે જો તેણે ખુદાની મરજી વિરુદ્ધ કૃત્યો કર્યા, તો ખુદા તેને સજા પણ આપી શકે છે, તેથી તેનાથી ડરે પણ છે, તેની સમક્ષ સમર્પણ કરી દે છે અને વિનીત ભાવથી તેના દર્શાવેલા માર્ગ ઉપર ચાલતો રહે છે. તેને હંમેશાં યાદ રાખે છે. તેથી તેના સ્મરણને જીવનદાયક ભાગ સમજે છે, જેના વગર મનુષ્ય કરમાઈ જાય છે અને જેના હોવાથી તે તાજો અને પ્રફુલ્લિત રહે છે.
ખુદાના ગુણો યાદ દેવડાવીને કુર્આન ઇચ્છે છે કે માનવીમાં કૃતજ્ઞતાનો ભાવ ર્પેંઈા થાય. કુર્આનમાં દર્શાવેલ આ ગુણોને જુઓઃ
“તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, અદૃશ્ય અને દૃશ્ય દરેક વસ્તુનું જ્ઞાન ધરાવનાર, તે જ કૃપાળુ અને દયાળુ છે. તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તે બાદશાહ છે તદૃન પવિત્ર, સલામતીની સલામતી, શાંતિ આપનાર, સંરક્ષક, સૌની ઉપર પ્રભુત્વવાળો, પોતાનો હુકમ તાકાત દ્વારા લાગુ પાડનાર અને હકીકતમાં મોટાઈવાળો છે. અલ્લાહ એ શિર્ક (અલ્લાહ સાથે અન્ય કોઈને ભાગીદાર ઠેરવવું)થી પાક છે જે આ લોકો કરી રહ્યા છે. તે અલ્લાહ જ છે, સર્જનની યોજના ઘડનાર અને તેને અમલમાં મૂકનાર અને તેના અનુસાર આકાર આપનાર છે. તેના માટે સર્વશ્રેષ્ઠ નામો છે, દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે તેની પવિત્રતાનો જાપ કરી રહી છે અને તે જબરદસ્ત અને ડહાપણવાળો છે.” (સૂરઃ હશ્ર - ૫૯ઃ૨૨ઃ૨૪)
“અલ્લાહ એ શાશ્વત હયાત હસ્તી, જે તમામ સૃષ્ટિને ટેકવી રહી છે, તેના સિવાય કોઈ ખુદા નથી. તે ન સૂવે છે અને ન તેને ઝોકું આવે છે. ધરતી અને આકાશોમાં જે કંઈ છે, તેનું જ છે. કોણ છે જે તેની હજૂરમાં તેની પરવાનગી વગર ભલામણ કરી શકે ? જે કંઈ લોકો સમક્ષ ખુલ્લું છે તેને પણ તે જાણે છે અને જે કંઈ તેમનાથી અદૃશ્ય છે, તેનાથી પણ તે વાકેફ છે અને તેના જ્ઞાનમાંથી કોઈ વસ્તુ તેઓ જાણી શકતા નથી સિવાય કે કોઈ વસ્તુનું જ્ઞાન એ પોતે જ તેમને આપવા ચાહે. તેનું રાજ્ય આકાશો અને ધરતી ઉપર વ્યાપેલું છે. અને તેની દેખભાળ તેના માટે કોઈ થકવી નાખતું કાર્ય નથી. બસ તે જ ઉચ્ચ અને મહાન હસ્તી છે.” (સૂરઃ બકરહ-૨ઃ ૨૫૫)
No comments:
Post a Comment