માનવીય ભાઈચારો અને ઇસ્લામ
અલ્લાહના નામથી જે ઘણો દયાળુ અને કૃપાશીલ છે
દાનવીરતા, સહિષ્ણુતા અને પ્રેમ આનું નામ જ જીવન છે. જ્યાં કંજૂસાઈ, હૃદયની સંકૂચિતતા અને ધિક્કાર હોય ત્યાં જીવનનો નહિ પણ મૃત્યુનો આવિષ્કાર થતો હોય છે. મૃત્યુ પામેલા માણસ પાસેથી આપણે કોઈ આશા રાખી શકતા નથી. આપણી બધી આશાઓ જીવન સાથે સંબંધ ધરાવે છે. વ્યક્તિત્વના પૂર્ણ વિકાસનું રહસ્ય પણ ખરા અર્થમાં દાનવીરતા અને સહિષ્ણુતામાં જ સમાયેલું છે. આ એક એવી વાસ્તવિકતા છે, જેના પ્રત્યે સામાન્ય લોકો ઉદાસીનતા કે બેપરવાઈ દાખવે છે. પરંતુ આ જ કારણે તેઓ જીવનના સુખ-ચેનથી પણ વંચિત રહી જતાં હોય છે. તેઓને શાંતિ અને સંતોષ પ્રાપ્ત થતાં નથી. છતાં શાંતિ અને સંતોષ જ આપણી સૌથી મોટી આવશ્યક્તા છે. ધર્મે હંમેશાં આ જ શિક્ષણ આપ્યું છે કે માણસે દરેક પ્રકારની સંકુચિત દૃષ્ટિ અને હૃદયની કૃપણતાથી બચવું જોઈએ. સાચું કહીએ તો ધર્મની આધારશિલા આપણી આવશ્યક્તાઓ અને કુદરતી ઇચ્છાઓ ઉપર જ રાખવામાં આવી છે. કુર્આન ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ
“..... જે લોકો પોતાના મનનાં લોભ અને કંજૂસાઈથી બચતા રહે છે તેઓ જ સફળતા પામનારા છે.”
સંકુચિત દૃષ્ટિ અને મનની અસહિષ્ણુતાના કારણે માનવજીવન કટૂતા અને કંટકોથી ભરાઈ જાય છે. વધુમાં આ જ કારણે ઘણા બધા લોકો સત્ય પણ પામી શકતા નથી. અમે અહીં એ સમજાવવા પ્રયત્ન કરીશું કે ઇસ્લામે કઈ રીતે સંકુચિતતાથી દૂર રહી બધા જ મનુષ્યોને એક અને સંગઠિત રહેવાની શીખ આપી છે, અને કઈ રીતે મનુષ્યની આ જ એકતા (Unity)ના આકારો અને પ્રકારો તેમજ તેની આવશ્યક્તાઓનો વિસ્તૃત ચિતાર આપ્યો છે.
ઇસ્લામ શીખવે છે કે બધા જ મનુષ્યો એક સમુદાય બનીને રહે, જેમ ઈશ્વરે બધાને એક જ સમૂહ (ગિરોહ) રૂપે પેદા કર્યા છે. કુર્આન કહે છેઃ
“બધા લોકો એક જ સમુદાય છે.”
આપણા પરિવારો, ગોત્રો વગેરે તો માત્ર ઓળખ પૂરતાં છે, જેથી માણસ પોતાના સંબંધીઓનો હક અદા કરી શકે. તેનો કદી પણ એવો ઉદ્દેશ્ય હોઈ શકે નહિ કે તે લોકોમાં ભેદભાવ પડાવે અને પરસ્પર એકબીજા સાથે લડવા પ્રેરે. પ્રતિષ્ઠા અને મહાનતાનું ધોરણ સદાચાર અને ઈશ્વરને આધીન જીવન છે, વંશ કે જાતિની શ્રેષ્ઠતા નહિ. કુર્આનમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છેઃ
“હે લોકો, અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીથી પેદા કર્યા છે. અને જાતિઓ અને ગોત્રોમાં તમારો વસ્તાર વધાર્યો છે, જેથી તમે એકબીજાને ઓળખી શકો. વાસ્તવમાં ઈશ્વરની નજીક તે માણસ સૌથી વધારે પ્રતિષ્ઠિત છે જે તમારામાં સૌ કરતાં ઈશ્વરથી વધારે ડરે છે, ખરેખર અલ્લાહ બધું જ જાણે છે અને બધી ખબર રાખે છે.” (૪૯ઃ૧૩)
ઇસ્લામ શીખવે છે કે આપણે સાથે પ્રેમ રાખવો જોઈએ. આપણે બધાના શુભેચ્છક બની રહેવું જોઈએ. લોકોના કામથી આપણે દૂર ન ભાગીએ, પાડોશીઓની સંભાળ લઈએ, લડાઈ-ઝઘડા અને દુષ્ટતાથી નફરત કરીએ. આ શિક્ષણની સાથે સંકળાયેલી પ્રત્યેક બાબતનો અત્રે આપણે વિચાર કરી રહ્યા છીએ જેથી આપણે આપણા ઉદૃેશો પાર પાડી શકીએ.
પ્રેમ:
આપણે જાણીએ છીએ કે જીવન પોતાના ખરા સ્વરૂપે સહિષ્ણુતામાં પ્રગટ થાય છે. આપણને પરસ્પર જોડાયેલાં કે સંકળાયેલા રાખનાર વસ્તુ પ્રેમ છે. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છેઃ “માણસ તેની સાથે જ હશે જેની સાથે તેને પ્રેમ હશે.” તેમણે મોમિન કે શ્રદ્ધાળુ માણસની ઓળખાણ આ પ્રમાણે આપી છેઃ
“મોમિન પ્રેમનો આગાર કે ઘર હોય છે.”
હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું એક બીજું કથન પણ છે. તેઓ કહે છેઃ “મોમિનોમાં પરસ્પર પ્રેમ, દયા અને મમતાની ઉપમા એક એવા શરીર સાથે અપાયેલી છે, જેના કોઈ એક અંગમાં પીડા થાય છે ત્યારે તે આખું શરીર તેની સાથે અનિદ્રા અને તાવથી અસ્વસ્થ બની જાય છે.”
ઇસ્લામના પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે આમ પણ કહ્યું છેઃ “ઈશ્વર કહે છે મારો પ્રેમ તે લોકો માટે અનિવાર્ય બની જાય છે જેઓ મારી ખાતર બીજાઓ પ્રત્યે પ્રેમ રાખે છે, એકબીજાને મળે છે, એકબીજા પાસે બેસે છે અને પરસ્પર એકબીજા માટે ખર્ચ કરે છે.”
મધુર વચનો :
નૈતિકતા અને પ્રેમના સ્વાભાવિક પરિણામે આપણી વાતચીતમાં પ્રેમની ઝલક અને માધુર્ય જોવા મળે છે. આપણી વાતચીત મધુર અને મનને મોહિત કરનારી હોય, નિરસતાથી આપણે દૂર ભાગીએ.” ઇસ્લામના પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છેઃ
“પોતાના ભાઈ સાથે હસીને વાત કરવી એ પણ તમારા માટે દાન છે.”
વધુમાં તેમણે એમ પણ કહ્યું છે કેઃ
“કયામતના દિવસે (જ્યારે બધા કર્મોનું ફળ અપાશે ત્યારે) તોલવામાં આવનાર કાર્યોમાં સદ્વૃત્તિ અને સુશીલતા કરતાં વધારે બીજી કોઈ વસ્તુ વજનમાં ભારે નહિ હોય. ખરેખર ઈશ્વર ખોટા શબ્દો બોલનારાઓને તદૃન ખરાબ ગણે છે.”
લોકકલ્યાણની ભાવના:
પરસ્પર પ્રેમ અને ઉદારતાને કારણે આપણે એકબીજાના શુભચિંતક બનવું જોઈએ. આપણે બધા જ લોકોની ભલાઈ અને કલ્યાણ ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણે કોઈનું પણ અહિત ઇચ્છવું ન જોઈએ. આ સંબંધમાં ઈશ્વર અને પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના વચનો ઉપર મનન કરીએઃ
“લોકો માટે તે જ પસંદ કરો જે તમે તમારા પોતાના માટે પસંદ કરો છો. આવું કરશો ત્યારે જ તમે મુસ્લિમ કહેવાશો.” (તિર્મિઝી)
“તમારામાંનો કોઈ ત્યાં સુધી ઈમાનવાળો નહિ ગણાય જ્યાં સુધી તે પોતાના પાડોશી માટે પણ તે જ પસંદ નહિ કરે જે તે પોતાના માટે પસંદ કરતો હોય.” (મુસ્લિમ)
“એકબીજા પ્રત્યે ઈર્ષા ન કરો, દ્વેષ ન રાખો, એકબીજાના સંબંધ ન તોડો. અલ્લાહના બંદા અને ભાઈ-ભાઈની જેમ રહો.” (બુખારી, મુસ્લિમ)
“જેઓ લોકો ઉપર દયા રાખતા નથી તેમની ઉપર અલ્લાહ પણ દયા રાખતો નથી.” (અબૂદાઊદ, તિર્મિઝી)
“દયા કરનાર ઉપર અલ્લાહ દયા રાખે છે. તમે ધરતીવાળાઓ ઉપર દયા કરો. તમારા ઉપર આકાશવાળો (અલ્લાહ) દયા કરશે.” (અબૂદાઊદ)
“અલ્લાહ જે લોકોને પસંદ કરે છે તેમનાં હૃદયમાં દયા ઉત્પન્ન કરે છે. અલ્લાહ તે લોકો ઉપર દયા કરે છે જે દયાળુ અને નમ્ર હોય છે.” (બુખારી, મુસ્લિમ)
લોકસેવા:
સેવા વિના આપણો પ્રેમ અને આપણી ઉદારતા વિશ્વાસપત્ર બનતાં નથી. કુર્આનેશરીફમાં કહેવામાં આવ્યું છેઃ “અને તું ઉપકાર (સારો વર્તાવ) કર જેવી રીતે અલ્લાહે તારી ઉપર ઉપકાર કર્યો છે, અને ધરતી ઉપર બગાડ કરવાની ઇચ્છા તું ન કર. ખરેખર અલ્લાહ બગાડ કરનારને પસંદ કરતો નથી.” (૨૮ઃ૭૭)
“Do good as God has been good to thee” આ સિદ્ધાંતની માણસ જ્યારે ઉપેક્ષા કરે છે ત્યારે ધરતી ઉપર બગાડ ફેલાય છે. આ આધારભૂત સિદ્ધાંતનું જો લોકો આચરણ કરે તો ધરતી ઉપરથી યુદ્ધો અને તોફાનો નાબૂદ થઈ જાય. કુર્આનેશરીફમાં એકબીજા સ્થાને નીચેના શબ્દો છેઃ
“અલ્લાહની બંદગી કરો અને તેની સાથે બીજા કોઈની બંદગી ન કરો, અને સારો વ્યવહાર કરો માતા અને પિતા સાથે, સગાં-સંબંધીઓ, અનાથો અને નિઃસહાય લોકો સાથે, નજીકના પાડોશીઓ સાથે અને અજાણ્યા પાડોશીઓ સાથે અને સાથે રહેનારાઓ સાથે અને વટેમાર્ગુઓ સાથે અને તેમની સાથે પણ જેઓ તમારા આશ્રિતો છે. અલ્લાહ એવા લોકોને પસંદ કરતો નથી જે બડાશ મારનારા હોય અને ઘમંડ કરતા હોય.” (૪ઃ૩૬)
હઝરત મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ કહે છેઃ
“બધાં મનુષ્યો અલ્લાહનું કુટુંબ છે. અલ્લાહની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તે વ્યક્તિ છે જે પોતાના કુટુંબીજનો સાથે સારો વ્યવહાર કરે છે.”
તેમણે એકવાર ફરમાવ્યું હતુંઃ
કયામતના દિવસે અલ્લાહ કહેશેઃ “હે આદમના વંશજ (એટલે માણસ) હું બીમાર હતો પણ તેં મારી ખબર લીધી નહિ.” તે કહેશેઃ “હે અલ્લાહ હું આપની સેવા કઈ રીતે કરી શકું જ્યારે તમે સમગ્ર જગતના પાલનહાર છો.” (તમે તો બીમાર પડી જ ન શકો) અલ્લાહ કહેશેઃ “શું તને ખબર નથી કે મારો અમુક બંદો બીમાર હતો અને તેં તેની સારવાર કરી ન હતી? તને શું ખબર નથી કે જો તું તેની સંભાળ લેવા ગયો હોત તો તું મને તેની પાસે ભાળત? હે આદમના પુત્ર, મેં તારી પાસે અન્ન માગ્યું હતું અને તેં મને તે અન્ન ખવડાવ્યું ન હતું.” તે કહેશેઃ “હે અલ્લાહ, હું આપને કઈ રીતે ખવડાવી શકું ? આપ તો આખા બ્રહ્માંડનું પોષણ કરનારા છો.” અલ્લાહ કહેશેઃ “મારા ફલાણા બંદાએ તારી પાસે અન્નની માગણી કરી હતી, તેં તેને અન્ન આપ્યું ન હતુ. તને શુ ખબર નથી કે જો તેં તેને ખાવા અન્ન આપ્યું હોત તો તું મને તેની પાસે ભાળત?”
“હે આદમના પુત્ર, મેં તારી પાસે પાણી માગ્યું હતું. પણ તેં તે મને આપ્યું ન હતું.” તે કહેશેઃ “હું આપને કેવી રીતે પાણી પીવડાવી શકું? જ્યારે આપ તો આખા જગતના પાલનહાર છો ?” અલ્લાહ કહેશેઃ “મારા ફલાણા બંદાએ તારી પાસે પાણી માગ્યું હતું. પણ તેં તેને પીવા પાણી આપ્યું ન હતું. તને શું ખબર નથી કે જો તેને તું પાણી પીવડાવત તો મને તું તેની પાસે ભાળત?” (મુસ્લિમ)
અલ્લાહ તો પોતાના બંદાઓની ભૂખને પોતાની ભૂખ, તેમની તરસને પોતાની તરસ અને તેમની બીમારી કે તકલીફને પોતાની બીમારી કે તકલીફ ગણે છે. પરંતુ માણસ માણસનો શત્રુ બની જાય છે. ઈશ્વરને પસંદ છે એવા ગુણો માણસ પોતાનામાં વિકાસવી શક્યો હોત તો કેટલું સારૂં થાત ?
બગાડ પ્રત્યે ઘૃણા:
સારા માણસો તે જ છે જેઓ ઉપદ્રવ અને બગાડથી ઘૃણા રાખે છે, અને ઇચ્છે છે કે સંસારમાં શાંતિની સ્થાપના થાય. તેઓ તે માટે બધા જ શક્ય પ્રયાસ કરે છે, જેથી માણસો હળીમળીને રહી શકે. અને દરેક પ્રકારના યુદ્ધો, લડાઈઓ અને બગાડથી દૂર રહે. ધર્મ જે પ્રકારનું શિક્ષણ આપવા અવતર્યો છે તે ક્યારેય બગાડને પસંદ કરતો નથી. આ જ કારણે કુર્આન શરીફમાં અનેક જગ્યાએ માણસોને બગાડથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છેઃ
“અને અલ્લાહ બગાડને પસંદ કરતો નથી.” (૨ઃ૨૦૪)
ઇસ્લામના પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છેઃ
“સારા મનુષ્યો તે છે જેઓ બગાડથી દૂર રહે છે. અને જ્યારે તેઓ વિપરીત પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે ત્યારે તેઓ ધીરજ (સબર)થી કામ લે છે.” (અબૂદાઊદ)
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વધુમાં ફરમાવે છેઃ
“સન્માર્ગે વળેલો કોઈ સમુદાય જ્યાં સુધી તે કોઈ ઝઘડામાં પડતો નથી ત્યાં સુધી તે સત્યના માર્ગેથી ચલાયમાન થતો નથી.”
No comments:
Post a Comment