માનવતાનો આદર્શ


માનવતાનો આદર્શ
અલ્લાહના નામથી જે ઘણો દયાળુ અને કૃપાશીલ છે

        મનુષ્યના જીવન કલ્યાણ અને તેની ભલાઈ માટે દોરવણી આપવા એક આદર્શની જરૂર છે. હકીકતમાં આદર્શ એક માપદંડનું કામ કરે છે, જેના વડે પ્રમાણભૂત રીતે જાણી શકાય છે કે કોઈ વ્યક્તિના વ્યવહારનો કેટલો ભાગ ખરો છે અને કેટલો ખોટો છે. માપદંડ કાલ્પનિક પણ હોઈ શકે છે. જેનું વર્ણન કથા-વાર્તાના સ્વરૂપે કે ઉપદેશના રૂપમાં કરવામાં આવે છે. તેને સાંભળીને લોકો ખુશ થાય છે. પરંતુ તેથી વ્યક્તિગત કે સામાજિક જીવનમાં તેનો કોઈ વાસ્તવિક લાભ થતો નથી. આદર્શ માટે ફક્ત એ જ જરૂરી નથી કે તે સંભવિત કે વ્યવહારિક હોય, પણ તે કોઈનું જીવન બની ચૂક્યું હોય અને તે વ્યક્તિએ તે આદર્શ ઉપર ચાલીને તેનો એક આદર્શ નમૂનો જગત સમક્ષ રજૂ કર્યો હોય, તે પણ એટલું જ જ જરૂરી છે. તે વ્યક્તિના હૃદયમાં મનુષ્ય જાતિ માટે એટલો પ્રેમ હોય કે દરેકે દરેક વ્યક્તિ તેને પોતાનો શુભ-ચિંતક હોવાનું સ્વીકારે, તેના પ્રેમમાં પડી તેનો આદર્શ સ્વીકાર કરવા ઘેલા થવાનું ય પસંદ કરે. તેના માટે તે માત્ર ધન-દોલત નહિ પણ જીવનનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય.
        ઇતિહાસમાં એવા અસંખ્ય મહાપુરુષો પાક્યા છે જેમણે પોતાનું સર્વસ્વ માનવતાના ઉત્થાન અને મુક્તિ માટે ન્યોછાવર કર્યું હોય અને માણસને ખરું માર્ગદર્શન પૂરૂં પાડ્યું હોય. આપણે સૌ ઇચ્છીએ કે આવા મહાપુરુષો ઉપર ઈશ્વરની અપાર કૃપા વરસે. દુનિયાના કોઈ પણ ખૂણામાં, ઇતિહાસના ગમે તે કાળે અને મનુષ્યની કોઈપણ જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હોય તો પણ અમે તેમને સલામ કરીએ છીએ અને અમારા હૃદયની શ્રદ્ધા તેમને અર્પણ કરીએ છીએ. તે બધી અમારી આદર્શ વ્યક્તિઓ હતી. પરંતુ એ બાબત પણ નકારી શકાય એમ નથી કે સમયના વહેણમાં તેમનું જીવન અને શિક્ષણ સુરક્ષિત રહ્યાં નથી. કેટલાક એવા પુરાવાઓ મળ્યાં છે જેના વડે જાણી શકાય છે કે તેઓ ખરેખર મહાન અને આદર્શ પુરૂષો હતા. આપણને અફસોસ ફક્ત એ વાતનો છે કે તેમના આચાર અને વિચાર તેમજ તેમના શિક્ષણની વિસ્તૃત જાણકારી માટે આપણી પાસે કોઈ પ્રામાણિક સાધન નથી. આમ છતાં ઈશ્વરની મોટી કૃપા છે કે આ મહાન વિભૂતિઓમાંની એકનું સંપૂર્ણ જીવન આપણે ઇતિહાસના પ્રકાશમાં જોઈ શકીએ છીએ. તેમના જીવન અને શિક્ષણની બાબતમાં આપણે જે કંઈ જાણવા માગીએ તે બધું આપણે જાણી શકીએ છીએ. તેમાં ક્યાંય અટકળ કે અનુમાનથી કામ લેવાની જરૂર નથી. તેમનું પોતાનું અંગત જીવન અને સામાજિક જીવન તેમજ રાજનૈતિક જીવન ઉપર ઇતિહાસ પ્રકાશ પાડી શકે છે. આ પ્રકાશ પુંજ મનુષ્યજાતિનો અમૂલ્ય ખજાનો છે. આ મહાન વ્યક્તિ એટલે હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
તેમના જીવનની એક ઝલકઃ
        હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ ઈ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા નામના શહેરમાં થયો હતો. તેમના જન્મની પહેલાં જ તેમના પિતાનું અવસાન થયું હતું. બાળપણના થોડાક દિવસ દરમિયાન તેમના માતા અને દાદા પણ દેહાંત પામ્યા. તેમના કાકાએ તેમનો ઉછેર કર્યો. બાળપણથી જ તેઓ એવા વિનમ્ર હતા કે બધા પરિવારના સ્નેહીજનો અને નગરજનો પણ તેમનો આદર કરતા. તેમની સત્યપરાયણતા અને સદાચારની ચારે દિશામાં ચર્ચા થતી. બાળપણમાં તેઓ ઘેટાં બકરા ઉછેરવાનું કામ કરતાં. યુવાન થતાં વેપાર કરવા લાગ્યા. ખદીજા (રદિ.) નામના એક વિધવા સન્નારીનો વ્યાપારિક માલ-સામાન ઉંટો પર લાદીને દેશ-પરદેશમાં વેપાર કરવા લાગ્યા. તેમની ઈમાનદારી અને સદાચારથી પ્રભાવિત થઈને તે સન્નારીએ આપની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો, જેનો આપે સ્વીકાર કર્યો. આપ તે સમયના સામાજિક દુર્ગુણો અને લોકોની વેદનાથી ખૂબ જ દુઃખી થઈ જતાં. આપ એક ગુફામાં જઈને ઈશ્વરનું ધ્યાન ધરતા અને સમાજને તેના દુર્ગુણોમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થનાઓ કરતા. તે જ ગુફામાં તેમને ઈશ્વરનો સત્ય-પ્રકાશ પ્રાપ્ત થયો. તેમને મનુષ્યના કલ્યાણ માટે તેમના ઉપર કુર્આનેશરીફ અવતરિત કર્યું. ઈશ્વરના આદેશ અનુસાર તેઓ મનુષ્યોને માર્ગદર્શન આપવા લાગ્યા. સમાજના સ્વાર્થી અને સ્થાપિત હિતોવાળા લોકોએ તેમનો સખત વિરોધ શરૂ કર્યો. સજ્જન અને ઉપેક્ષિત વર્ગના લોકોએ તેમનું શિક્ષણ ગ્રહણ કર્યું. મક્કાના દુષ્ટ લોકોનો વિરોધ વધતાં તેમને પોતાના થોડા અનુયાયીઓ સાથે પોતાનો દેશ છોડવા વિવશ થવું પડ્યું. દૂરના મદીના નામના શહેરમાં તેમણે શરણ મેળવી. મક્કાવાસીઓએ ત્યાં પણ તેમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. તેમની ઉપર મક્કાવાસીઓએ લશ્કરી હુમલા પણ કર્યા. કેટલાક યુદ્ધો થયાં. છતાંય હઝરત મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબે તેમની સાથે દયાભાવથી વ્યવહાર કર્યો. જ્યારે મક્કામાં દુકાળ પડ્યો ત્યારે તેમણે મદીનાથી ઊંટો ઉપર લાદીને અનાજ મોકલ્યું. આમ ઇસ્લામી શિક્ષણનું પ્રચારકાર્ય ચાલતું રહ્યું. જ્યારે અરબસ્તાનમાં ચારે બાજુએ ઇસ્લામ ધર્મ ફેલાઈ ગયો અને મક્કાના મોટાભાગના લોકો પણ મુસલમાન બની ગયા ત્યારે તેમણે મક્કા ઉપર ફતેહ મેળવી. આમ હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના વતનમાં પાછા ફર્યા. આ એવો સમય હતો જ્યારે આપ પોતાના દુશ્મનો પાસેથી તેમના કૃત્યોનો સંપૂર્ણ બદલો લઈ શક્યા હોત. પરંતુ આપે આપના દુશ્મનો, દુષ્ટો અને અત્યાચારીઓને માફ કરી દીધા. એટલું જ નહીં તેમને સન્માન અને ઉચ્ચ સામાજિક હોદૃા આપી ઉચ્ચતા પ્રદાન કરી. વિજેતાઓનો આવો વ્યવહાર જોઈને દુશ્મનો પ્રભાવિત થઈ તેમની વાત સ્વીકારવા લાગ્યા. તેઓ સ્વીકારવા લાગ્યા કે સત્ય આપની સાથે છે. આમ તેમના વિરોધીઓ પણ સાચા રસ્તે ચાલવા તૈયાર થયાં. તેમણે સત્યના માર્ગે પોતાના જીવન સમર્પિત કરી દીધાં, અને મુસલમાન બની ગયાં.
આમ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન દરમ્યાન જ ધરતીના એક મોટા ભાગ ઉપર સત્યનું સામ્રાજ્ય સ્થપાયું. એ સામ્રાજ્યમાં ગરીબો, અનાથો, પીડિતો અને         ઉપક્ષિતોને પૂરેપૂરૂં સન્માન મળ્યું. માણસ માણસ વચ્ચેના બધા જ ભેદભાવ મટી ગયા. હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શિક્ષણનો ઉત્તમ પ્રબંધ કર્યો. તેઓ પોતે અત્યંત સાદું જીવન વ્યતીત કરતા. અન્યોનું એટલું ધ્યાન રાખતા કે પોતે જમતા નહીં પણ અન્યોને જમાડતાં. સાદી ચટાઈ પર સૂઈ રહેતા. રાત્રિ દરમ્યાન ઊઠીને પ્રાર્થનામાં લીન થઈ જતાં. આવું હતું સામ્રાજ્યની ધુરા સંભાળનાર આ મહાપુરુષનું જીવન.
        પોતાના અનુયાયીઓમાં પણ આપે આવા ગુણો જ ઉત્પન્ન કર્યા. તેઓ નિઃસ્વાર્થભાવે ઈશ્વર પ્રાપ્તિ માટે લોકસેવાના કાર્યોમાં ગૂંથાયેલા રહેતાં. સ્વાર્થ અને સુખોપભોગથી દૂર ભાગતા, તે બધા સામૂહિક પ્રયાસોના કારણે જોતજોતામાં ઇસ્લામ એશિયા, યુરોપ તથા આફ્રિકાના મોટા પ્રદેશોમાં ફેલાઈ ગયો. તેથી ગોરા-કાળા, ઊંચાનીચા, નિર્બળ-બળવાનના ભેદ મટી ગયા. અજ્ઞાન અને અંધકાર દૂર થવા લાગ્યા. બુદ્ધિ અને વિજ્ઞાનને પ્રતિષ્ઠા મળી. આમ ઇસ્લામનો આદર્શ આખા જગતમાં ફેલાઈ ગયો. માનવ અધિકારો, ન્યાયનું સામ્રાજ્ય, શાંતિની સ્થાપના, સહાનુભૂતિ, સ્વતંત્રતા અને સમગ્ર માનવ-જગત સાથે ભાતૃભાવ જેવા આદર્શો જગતની બિનમુસ્લિમ પ્રજાને પણ સ્વીકાર કરવા પડ્યા. આજે પણ આ સિદ્ધાંતો છે. છતાંય સંસારમાં અન્યાય અને અરાજકતા ફેલાયેલા જોવા મળે છે. તેનું મૂળ કારણ ઇસ્લામના આદર્શોવાળું આ શિક્ષણ હૃદયપૂર્વક સ્વીકારાયું નથી તે છે. ફક્ત લોકોને આકર્ષવા માટે આ આદર્શ સિદ્ધાંતોનો દેખાડો થાય છે. લોકો તેમની આડમાં પોતાના સ્વાર્થી હિતો પૂર્ણ કરવામાં લાગેલા દેખાય છે. હઝરત મુહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવન-પદ્ધતિનો સારાંશ એ જ છે કે લોકો સત્યના માર્ગે ચાલવાની શક્તિ, ઈશ્વર ઉપર આસ્થા, તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવના અને તેનો ડર રાખી જીવે, ઈશ્વર ન્યાયી રીતે માણસનાં કાર્યોનું ફળ આપનાર છે. કોઈ પણ ભલાઈ કે બૂરાઈ તેનાથી છુપાવી શકાતી નથી. ઈશ્વર સમર્પિત ભાવનામાં લીન થઈ તેની પ્રસન્નતા અને તે આપે તે ફળ મેળવવાની ઇચ્છા મનુષ્યને સત્યના માર્ગે ચાલવા પ્રોત્સાહિત કરે છે. તેના કઠોર દંડથી બચવાની ચિંતા માણસને ખોટાં કાર્યો કરતાં રોકે છે. હકીકત એ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા અને પારલૌકિક જીવનની ધારણામાં આસ્થા વિના માણસમાં સ્થાયી સ્વરૂપે ઉત્તમ ગુણોનો વિકાસ થવો સંભવિત નથી. આજે આપણી સૌથી મોટી જરૂરિયાત એ વાતની છે કે ઇસ્લામના આ શિક્ષણને ફરીથી અપનાવવામાં આવે, જે જીવનને સત્યના માર્ગે લઈ જઈ શકે છે. તે સિવાય માણસજાત દુઃખો અને પીડાઓથી મુક્ત થઈ શકશે નહિં.
કુર્આન અને હદીસ ઉપર આધારિત શિક્ષણની એક ઝલક
        • સંપૂર્ણ સૃષ્ટિનો સર્જનહાર એક ઈશ્વર છે. તે અત્યંત દયાવાન છે અને કૃપાળુ છે. તેની જ ભક્તિ કરો અને તેની જ આજ્ઞાઓ માનો.
        • ઈશ્વરે માણસજાત પર અસંખ્ય ઉપકાર કર્યા છે. ધરતી અને આકાશની બધી જ શક્તિઓ માણસજાતની સેવામાં ઈશ્વરે લગાડી છે. તે ધરતી અને આકાશનો માલિક છે. એકમાત્ર તે જ પૂજવાલાયક તમારો ઈશ્વર છે.
        • ઈશ્વરને ત્યજી બીજા કોઈની પૂજા કરવી એ સૌથી મોટો ગુનો અને વ્યભિચાર છે.
        • ઈશ્વરની અવજ્ઞા કરીને કોઈ તેનું કાંઈ બગાડી શકતું નથી. આજ્ઞાંકિત બની રહેવામાં આપણો પોતાનો ફાયદો છે.
        • ઈશ્વર-સ્મરણથી આત્માને શાંતિ મળે છે અને હૃદયનો ભાર હળવો થાય છે.
        • ઈશ્વરનાં સંકેતો (દિવસ-રાત, ધરતી-આકાશ, ઝાડ-પાન, જીવ-જંતુ વગેરેનું સર્જન) ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આથી ઈશ્વર પ્રત્યેની આસ્થા દૃઢ થશે, અને સંકુચિત વિચારોથી છુટકારો મળશે.
        • હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈશ્વર તરફથી સંસારના માર્ગદર્શક નિયુક્ત કરવામાં આવ્યા છે. માર્ગદર્શનનો કોઈ બદલો તેઓ ઇચ્છતા નથી. તેમની વાત સાંભળો અને તેમની આજ્ઞાઓનું પાલન કરો.
        • “હું (હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ સ.અ.વ.) ઈશ્વર તરફથી સંસારનો માર્ગદર્શન નિયુક્ત કરવામાં આવ્યો છું, માર્ગદર્શનનો કોઈ બદલો હું તમારી પાસેથી લેવાનો નથી. મારી વાત સાંભળો અને તેનું પાલન કરો.”
        • “હું કોઈ નિરાળો કે વિશિષ્ટ રસૂલ (સંદેશવાહક) નથી. મારી પહેલાં સંસારના માર્ગદર્શન માટે અનેક સંદેશવાહકો આવી ગયા છે. તમે પોતે તમારા ધર્મગ્રંથોમાં જોઈ લો, અથવા કોઈની પાસેથી જાણી ખાતરી કરી લો.”
        • “હું પહેલાના માર્ગદર્શકો કે રસૂલોના શિક્ષણને પુનઃસ્થાપિત કરવા અને કાવતરાખોર ધર્મોપદેશકોથી માનવજાતને મુક્ત કરાવવા આવ્યો છું.”
        • “મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે નૈતિક મૂલ્યો અને ઉત્તમ આચારને વિકાસની ચરમસીમા સુધી પહોંચાડી દઈ શકું.”
        • “હું લોકોને તેમની પીઠ ઉપરથી પકડીને અગ્નિ-જ્વાળાઓથી બચાવી રહ્યો છું. પણ લોકો એવા છે કે અગ્નિ-જ્વાળાઓ તરફ જ દોડી રહ્યાં છે.”
        • “હું લોકો માટે રહેમત (કૃપા) બનાવીને મોકલવામાં આવ્યો છું. તમે લોકો માટે સરળતા ઊભી કરો, મુશ્કેલીઓ નહીં.”
        • “માતા-પિતાની સેવા કરો. તેમની આગળ ઊંચા અવાજે વાત ન કરો. તેમણે તમારા ઉપર પુષ્કળ ઉપકારો કર્યા છે. તેથી તમે તેમની આગળ આજ્ઞાંકિત બનીને રહો.
        • માતા-પિતા જુલ્મી આદેશ આપે તો માન્ય ન રાખો. બીજી બધી બાબતોમાં તેમની આજ્ઞાઓનું પાલન કરો.
        • આખી માનવજાત એક જ ઈશ્વરે પેદા કરી છે. તમે સૌ એક જ માતા-પિતાના સંતાન છો. લોકો વચ્ચે રંગ, કુળ, જ્ઞાતિ, ભાષા કે પ્રાદેશિકતાના નામે ભેદભાવ ઊભા કરવા તે ઘોર અન્યાય છે.
        • બધા જ મનુષ્યો આદમનાં સંતાન છે. તેમને પ્રેમ કરો, ઘૃણા ન કરો. તેમને શ્રદ્ધાળુ બનાવો, નિરાશાથી બચાવો.
        • માણસોમાં તે શ્રેષ્ઠ છે જે બીજાઓનો હિતચિંતક, પવિત્ર આચરણવાળો અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરનારો છે.
        • તમે ધરતીવાળાઓ ઉપર દયા કરો. ઈશ્વર તમારી ઉપર દયા વરસાવશે.
        • તે માણસ બધાથી સારો છે જે પોતાના ઘરની વ્યક્તિઓ અને પાડોશીઓ માટે સારો છે.
        • સ્ત્રીઓ, ગુલામો અને અનાથ બાળકો ઉપર સવિશેષ દયા કરો.
        • જે માણસ પોતાના પુત્ર-પુત્રીઓ વચ્ચે ભેદભાવ ન કરે અને પુત્રીઓનું સારી પેઠે પાલન-પોષણ કરે અને તેમના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરે તે સ્વર્ગમાં જશે.
        • જે વડીલોનો આદર અને પોતાનાથી નાની ઉંમરનાને પ્રેમ નથી કરતો તે અમારામાંનો નથી.
        • તમે સંસારની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ થઈ ભૂલી ન જાવ કે બધાએ પોતાના કાર્યોનો હિસાબ ઈશ્વરને આપવાનો છે.
        • પરલોકની યાતનાઓ ઘણી અસહ્ય છે. ત્યાં કુળ, સગા-વ્હાલા, ધન-દોલત કે કોઈ લાગવગ કામ આવવાની નથી. ઈશ્વરની આજ્ઞાઓનું પાલન અને ઉત્તમ આચરણ જ પરલોકની યાતનાઓમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
        • પોતાને અને પોતાના ઘરવાળાઓને નરકના અગ્નિથી બચાવો.
        • ઈશ્વરના માર્ગમાં ધન ખર્ચી પોતાની જાતને નરકના અગ્નિથી બચાવો.
        • તમારા પૈસામાં તમારા સંબંધીઓ, ગરીબો અને અનાથ બાળકોનો પણ હક્ક છે. તેમનાં હક તેમને પહોંચાડો.
        • બીજા લોકોનું ધન ખોટી રીતે ન ખાવ. વેપાર કરીને કે બીજી કોઈ યોગ્ય રીતે ધન પ્રાપ્તિ કરો.
        • ચીજ-વસ્તુઓમાં ભેળસેળ ન કરો. તોલવામાં ઓછું ન આપો. વેપારમાં છેતરપિંડી ન કરો. જે છેતરપિંડી કરે છે તે અમારામાંનો નથી.
        • બજારભાવ ઊંચા લાવવા વસ્તુઓનો સંગ્રહ ન કરો. આવું કરનારા કઠોર સજાને પાત્ર છે.
        • ગણી ગણીને પૈસા એકઠા ન કરો, અને જરૂર વગર પણ પૈસા ખર્ચો નહીં. મધ્યમ માર્ગે ચાલો.
        • બીજાઓના અપરાધ માફ કરી દો. બીજાઓના દુર્ગુણોનો પ્રચાર ન કરો, તેમને છુપાવો. ઈશ્વર તમારા દુર્ગુણો છુપાવશે.
        • જુઠ્ઠાણું, નિંદા અને દોષારોપણથી બચો. લોકોને ખોટા નામે ન બોલાવો.
        • અશ્લીલતા અને નિર્લજ્જતાની નજીક ન જાઓ, પછી તે છુપી હોય કે જાહેર.
        • દેખાડા માટે કોઈ કામ ન કરો. દાન છુપી રીતે કરો. ઉપકાર કર્યા પછી તેનો પ્રદર્શન ન કરો.
        • રસ્તા ઉપર કષ્ટદાયક વસ્તુઓ કાંટા, પથ્થર વગેરે દૂર કરી દો. ધરતી ઉપર નમ્ર બની ચાલો, ઘમંડથી નહિ.
        • સાચું બોલો અથવા ચુપ રહો.
        • આપેલા વાયદા પૂરા કરો.
        • સત્ય અને ન્યાય માટે સાક્ષી આપો-તેના કારણે તમને કે તમારા કુટુંબીજનોને હાનિ થતી હોય તો પણ.
        • અન્યાય વિરૂદ્ધ ઝઝૂમનાર ઈશ્વરને પ્રિય હોય છે.
        • બળવાનને પછાડવામાં ખરી બહાદુરી નથી, ખરી બહાદુરી તો ગુસ્સા ઉપર કાબૂ મેળવવામાં છે.
        • મજૂરનો પરસેવો સૂકાઈ જાય તે પહેલાં મજૂરીના પૈસા આપો. સેવક પાસેથી તે કરી શકે તેવું કામ જ કરાવો. તેના આરામનો ય ખ્યાલ રાખો. જે તમે ખાવ તે તેને જરૂર ખવડાવો. જે તમે પહેરો તે તેને પણ પહેરાવો.
        • જરૂર કરતાં વધારે કોઈ પણ ચીજનો ઉપયોગ ન કરો. પાણીનો દુરૂપયોગ ન કરો - તમે નદી કિનારે હોવ તો પણ.
        • તમારા શરીર, વસ્ત્રો અને ઘર સ્વચ્છ અને ચોખ્ખાં રાખો. જ્યારે ઊંઘમાંથી ઊઠો ત્યારે સૌ પ્રથમ તમારા હાથ ધોઈ નાંખો. તમને ખબર ન પડે ઊંઘમાં તમારા હાથ ક્યાં ક્યાં પડ્યા હશે.
        • યુદ્ધમાં સ્ત્રીઓ, બાળકો, બીમાર અને નિઃશસ્ત્ર લોકો ઉપર હાથ ન ઉગામો, ફળવાળા ઝાડ ન કાપો.
        • યુદ્ધના કેદીઓ સાથે સારો વ્યવહાર કરો. તેમને યાતનાઓ ન આપો.
        • જે કાંઈ ખરાબી જુઓ તેને અટકાવવા પ્રયત્ન કરો. જો તેને રોકવાની ક્ષમતા ન હોય તો તેને દિલથી ખરાબ ગણો.
        • નિશ્ચય કે ઇરાદો બધા કાર્યોનો આધાર છે. ખરાબ ઇરાદાથી કરેલા સારા કાર્યોનું ફળ ઈશ્વરને ત્યાં નહીં મળે.
        • ઈશ્વર-મિલનની આશાઓથી જિંદગી જીવો, માણસના કાર્યો તેની આશાઓને અનુરૂપ છે.

No comments:

Post a Comment